ભારત સૌથી ઊંચી ટેરિફ વસૂલે છે, સત્તા પર આવીશ તો વળતી ટેરિફ લાદીશઃ ટ્રમ્પ

વિદેશી પ્રોડક્ટ્સ પર ઊંચી આયાત જકાત લાદવા માટે ભારતની ટીકા કરતાં અમેરિકાના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત વિદેશી પ્રોડક્ટ્સ પર સૌથી ઊંચી ટેરિફ લાદે છે અને જો તેઓ ફરી સત્તા પર આવશે તો વળતી ટેરિફ લાદશે. જોકે આની સાથે ટ્રમ્પે મોદીને સૌથી સારા વ્યક્તિ ગણાવ્યા હતાં અને મોદીની બહાદૂરીની પ્રશંસા કરી હતી.

આર્થિક નીતિ અંગેના ભાષણમાં ગુરુવારે ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાને ફરીથી અસાધારણ રીતે શ્રીમંત બનાવવાની મારી યોજનાનું કદાચ સૌથી મહત્વપૂર્ણ પાસું એકબીજા દેશો વચ્ચેનો સમાન વેપાર હશે. આ શબ્દ મારી યોજનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અમે સામાન્ય રીતે ટેરિફ વસૂલતા નથી. મેં તે પ્રક્રિયા શરૂ કરી હતી. તે ખૂબ જ સરસ હતી. ચીન 200 ટકા ટેરિફ વસૂલ કરે છે. બ્રાઝિલ પણ ઊંચી ટેરિફ વસૂલ કરે છે. આ તમામમાં સૌથી વધુ ટેરિફ ભારત વસૂલ કરે છે.

જોકે ભારતની ટીકા કર્યા પછી ટ્રમ્પ મોદીની પ્રશંસા કરવા લાગ્યા હતાં અને જણાવ્યું હતું કે ભારત સાથે અમારા સારા સંબંધ છે. ખાસ કરીને નેતા મોદી સાથે. તેઓ એક મહાન નેતા છે. મહાન વ્યક્તિ. ખરેખર મહાન માણસ છે. તેમણે ખૂબ સરસ કામ કર્યું છે.

આ સપ્તાહની શરૂઆતમાં પણ તેમણે મોદીની પ્રશંસા કરીને તેમની સૌથી સારા વ્યક્તિ ગણાવીને જણાવ્યું હતું કે મોદી, ભારત, તેઓ મારા સારા મિત્ર છે. તેઓ મહાન છે. બહારથી તેઓ તમારા પિતા જેવા લાગે છે, તેઓ સૌથી સારા છે, પરંતુ તેઓ ટોટલ કિલર છે. ભારતને કોઇ ધમકી આપતું હતું તેવા કેટલાંક પ્રસંગોને યાદ કરીને ટ્રમ્પે જણાવ્યું હતું કે મેં મોદીને કહ્યું હતું કે મને મદદ કરવા દો, કારણ કે હું આવા લોકોનો ખૂબ જ સારો સામનો કરી શકુ છું. જેના પર મોદીએ આક્રમક રીતે જવાબ આપ્યો કે હું સામનો કરીશ. હું જરૂરી તમામ પગલાં લઈશ. અમે તેમને સેંકડો વર્ષોથી હરાવ્યા છે. જોકે ભારતને કોણ ધમકી આપતું હતું તેની ટ્રમ્પે સ્પષ્ટતા કરી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *